top of page

ડૉ વિક્રમ સારાભાઈ

dbt11bio.jpg

ગુજરાતના એક મહાન સપૂતની આ વાત છે. નાની વયમાં આ ગુજરાતી સપૂતે એવી સિદ્ધિ મેળવી કે માત્ર ગુજરાતમાં કે ભારતમાં નહીં, દુનિયાભરમાં એણે પોતાના નામ અને કામનો ડંકો વગાડ્યો ! એના નામ અને કામને જાણીએ એ પહેલાં એના બાળપણનો એક સ-રસ પ્રસંગ જોઈએ.

દર વર્ષે ઉનાળાની ગરમીથી બચવા એના માતા-પિતા અમદાવાદથી દૂર દરિયાકિનારે કે પર્વત પરના કોઈ હિલ-સ્ટેશને જઈને રહેતા. પિતાનો પરિવાર પૈસેટકે સુખી અને સમૃદ્ધ. એટલે કુટુંબના બધા જ સભ્યો સાથે જ આવા સ્થળે જઈને રહેતા. ધંધાનું કામકાજ પણ એટલા દિવસ ત્યાંથી જ થતું.

એક વર્ષે સહુ સિમલા ગયા હતા. ત્યાં એક-દોઢ મહિના સુધી રહેવાના હતા. એટલે ધંધાના કામકાજ અંગે લગભગ દરરોજ બહારગામથી પિતાના નામની બધી ટપાલ સિમલામાં આવતી. માતા પણ સમાજસેવાનું કામ કરતાં હતાં. એટલે એમનાં નામની ટપાલ પણ આવતી. કુટુંબના બીજા સભ્યોના નામની ટપાલ પણ આવ્યા કરતી. આપણી આ કથાનો નાનકડો નાયક દરરોજ આ બધું જોયા કરતો. એ વખતે તો એ માત્ર છ-સાત વર્ષનો છોકરો. છતાં વાંચતા-લખતાં પૂરેપૂરું આવડે. એટલે દરરોજ બહારગામથી આવતા ટપાલના પત્રો માતા-પિતા કે કાકા વાંચતા હોય ત્યારે એને થતું : મારા નામની ટપાલ આવે તો ? તો હું પણ વટથી કવર ખોલી આ બધાની જેમ વાંચી શકું ને ?

આમ વિચાર કરી આ છોકરાએ એક યુક્તિ કરી. પિતાજીના સેક્રેટરી પાસેથી થોડાં કવર લીધાં. એ બધાં પર પોતાનું નામ અને સિમલાનું સરનામું ટાઈપ કરાવ્યું. અને પછી ? પછી શું કર્યું જાણો છો ? જાણશો તો જરૂર હસી પડશો. પછી એ છોકરાએ પોતે જ પોતાના પર પત્ર લખ્યો ! એ પત્રને પરબીડિયામાં બીડી બહાર જઈ ટપાલની પેટીમાં નાખી આવ્યો ! બીજે દિવસે ટપાલમાં એ ભાઈસાહેબના નામનું કવર ટપાલી આપી ગયો ! અને બીજાની જેમ એણે પણ કવર ખોલી વટથી પત્ર વાંચવા માંડયો. અને પછી તો આવો બનાવ દરરોજ બનવા માંડ્યો.
દરરોજ ટપાલમાં આ છોકરાના નામનો પત્ર આવે જ ! માતા-પિતાને નવાઈ લાગવા માંડી. આ છોકરા પર દરરોજ કોના પત્રો આવતા હશે ? એક દિવસ પિતાજીએ પૂછ્યું : ‘બેટા, હમણાં-હમણાં દરરોજ તારા નામની ટપાલ આવે છે… તને રોજ રોજ કોણ પત્ર લખે છે ?’ પિતાના આ પ્રશ્નના ઉત્તરમાં પુત્ર હસી પડ્યો ને બોલ્યો : ‘પપ્પાજી, હું જ લખું છું.’


હવે હસવાનો વારો પિતાજીનો આવ્યો. હસતાં હસતાં એમણે પૂછ્યું : ‘તું જ પત્ર લખે છે ! તું જ તને પત્ર લખે છે ? કેમ બેટા ?’ દીકરાએ પછી આખી વાત નિખાલસથી કહી. દીકરાની આખી વાત સાંભળી પરિવારના બધા સભ્યો ખુશ થયા.


પોતાના નામની ટપાલ આવે એ માટે બાળપણમાં આવી અનોખી યુક્તિ અજમાવનાર આ બાળક મોટો થઈને એટલો મહાન થયો કે પછી તો દુનિયાભરમાંથી એના નામની ટપાલ દરરોજ થોકબંધ આવવા માંડી. અને એ બધી ટપાલ વાંચવા ને એનો જવાબ તૈયાર કરવા એને ખાસ સેક્રેટરી રાખવા પડ્યા ! ગુજરાતના એ મહાન સપૂત એટલે ડૉ. વિક્રમ સારાભાઈ. આપણે સહુએ ગૌરવ લેવા જેવી હકીકત એ છે કે એમણે અંતરિક્ષ વિજ્ઞાનમાં એટલી બધી સિદ્ધિ મેળવી કે માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરમાં એમનું નામ વિખ્યાત થઈ ગયું.


12 મી ઑગસ્ટ 1919 નો એ દિવસ હતો. એ દિવસે હિન્દુ ભાઈ-બહેનોના બહુ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હતો. એ શુકનિયાળ દિવસે અમદાવાદમાં એમનો જન્મ થયો. પિતાનું નામ અંબાલાલ, માતાનું નામ સરલાબહેન. દાદાનું નામ સારાભાઈ. એ નામ પછી તો અટક જેવું બની ગયું. વિક્રમભાઈ એટલે તો ડૉ. વિક્રમ સારાભાઈ તરીકે જ ઓળખાયા.

ડૉ. હોમી ભાભાની જેમ એમના આ મિત્રનો જન્મ પણ બહુ ધનવાન કુટુંબમાં થયો હતો. પિતા અંબાલાલ સારાભાઈ મોટા ઉદ્યોગપતિ હતા. શિક્ષણમાં એમને ખૂબ રસ. માતાજી સરલાબહેન પણ શિક્ષણ, સેવા અને સંસ્કારનાં આગ્રહી. આમ શ્રીમંત, સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાં વિક્રમભાઈનું ઘડતર થયું. વિક્રમભાઈ કોઈ નિશાળમાં જઈને ભણ્યા ન હતા.

એમના પિતા શેઠ અંબાલાલ સારાભાઈએ પોતાના બંગલામાં જ ઉત્તમ શિક્ષકોને બોલાવી વિક્રમભાઈને શિક્ષણ અપાવ્યું હતું. આમ પંદર-સોળ વર્ષની વય સુધી વિક્રમભાઈ ઘરમાં રહીને જ ભણ્યા. એમના એ ઘરમાં પંડિત જવાહરલાલ નહેરુ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, દીનબંધુ એન્ડ્રુઝ અને બીજા ઘણા મહાપુરુષો આવતા. બાળક વિક્રમભાઈને એ સહુને જોવાનો, મળવાનો, એમની વાતો સાંભળવાનો બહુ મોટો લાભ મળ્યો. વિક્રમભાઈના ઘડતરમાં આ હકીકતે મહત્વનો ભાગ ભજવ્યો.


વિક્રમભાઈ નિશાળમાં ભણ્યા ન હતા; પણ મેટ્રિકની પરીક્ષા માટે નિશાળ મારફત જ ફોર્મ ભરવું પડે એવું હતું. એટલે અમદાવાદની એક જાણીતી શાળા – આર.સી. હાઈસ્કૂલ – દ્વારા ફોર્મ ભરી વિક્રમભાઈએ મેટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પછી બે વર્ષ અમદાવાદની ગુજરાત કૉલેજમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી તેઓ ઈંગલૅન્ડ ગયા. ત્યાંથી 1939માં વીસ વર્ષની વયે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્થાતક થયા અને ત્યાં જ ભૌતિકશાસ્ત્ર – ફિઝીક્સ – ના વિષયમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા.


એટલામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને વિક્રમભાઈને અભ્યાસ અધૂરો મૂકી ભારત પાછા ફરવું પડ્યું. સ્વદેશ આવી તેઓ બૅંગલોરની સંશોધન સંસ્થામાં જોડાયા અને ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન કરવા લાગ્યા. એ સંસ્થામાં એમને સર સી.વી. રામન જેવા મહાન વિજ્ઞાની માર્ગદર્શક તરીકે મળ્યા. ડૉ. હોમી ભાભાનો પણ ત્યાં પરિચય થયો. વિક્રમભાઈએ તેનો પૂરતો લાભ લઈને ત્યાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી.


દરમ્યાન, પાંચ વર્ષ પછી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે વિક્રમભાઈ ફરી કેમ્ર્બિજ ગયા અને ત્યાંથી ભૌતિકશાસ્ત્રમાં પી.એચ.ડી ની ડિગ્રી મેળવી. પોતાની ઈચ્છા પ્રમાણે વિદેશમાં શિક્ષણ મેળવી ડૉ. વિક્રમભાઈ ભારત પાછા આવ્યા.



અહીં આવી એમણે ભૌતિક વિજ્ઞાનની એક પ્રયોગશાળા અમદાવાદમાં શરૂ કરી. આજે આ સંસ્થા ‘ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી’ નામે અંતરિક્ષ વિજ્ઞાનના અભ્યાસ અને સંશોધનમાં બહુ મૂલ્યવાન કામ કરે છે. એ પછી વિક્રમભાઈએ કાશ્મીરમાં તેમજ દક્ષિણ ભારતમાં તિરૂઅનંતપુરમ અને કોડાઈમાં પણ આવી પ્રયોગશાળાઓ શરૂ કરાવી.



એમના પ્રયાસથી અમદાવાદમાં ATIRA નામની કાપડ ઉદ્યોગ માટેની સંશોધન સંસ્થા તથા IIM ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ જેવી રાષ્ટ્રિય કક્ષાની સંસ્થાનો જન્મ થયો. અમદાવાદની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIMA આજે ભારતભરની આવા પ્રકારની શ્રેષ્ઠ સંસ્થા મનાય છે. ડૉ. વિક્રમભાઈએ આવી 30થી વધુ સંસ્થાઓની સ્થાપના કરી ઉદ્યોગ અને વિજ્ઞાન-જગતની બહુ મોટી સેવા કરી છે.

ડૉ. વિક્રમભાઈની આવી સેવાની કદર કરી ભારત સરકારે ઈ.સ. 1962માં દેશના અંતરિક્ષ (અથવા અવકાશ) સંશોધન કાર્યની સઘળી જવાબદારી એમને સોંપી. ISRO – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન – તરીકે ઓળખાતી આ સંસ્થાએ અંતરિક્ષ સંશોધનમાં ઉત્તમ કામગીરી કરી છે.
ડૉ. વિક્રમભાઈએ અંતરિક્ષ વિજ્ઞાનમાં સંશોધનનો ખૂબ વિકાસ કર્યો. આને પરિણામે આપણો દેશ અંતરિક્ષમાં ઉપગ્રહો મોકલવામાં સફળ થયો છે.

આવા ઉપગ્રહો – સેટેલાઈટની મદદથી આપણે ટેલિવિઝન પર જુદી જુદી ચેનલો દ્વારા દુનિયાભરમાં બનતાં બનાવો તત્કાલ નજરોનજર ઘેરબેઠાં જોઈ શકીએ છીએ. પરદેશમાં દૂર દૂર વસતાં આપણા મિત્રો સ્વજનો સાથે વાતો કરી શકીએ છીએ. અવકાશ વિજ્ઞાનમાં આવી જાદુઈ લાગે એવી સિદ્ધિઓ ભારતે હાંસલ કરી પણ ડૉ. વિક્રમભાઈ પોતે એમના જીવનકાળ દરમ્યાન એ જોઈ ન શક્યા. 1971માં માત્ર બાવન વર્ષની નાની વયે અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમભાઈએ આમ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી.


Written by: MyGujarat Dot Net - Shared for informational purpose only.

વ્યક્તિઓ > વૈજ્ઞાનિક

Gujarat's #1 Learning Platform

ડાઉનલોડ કરો ગુજ્જુ સ્ટુડન્ટ એપ અને મેળવો તમારા ધોરણ માટે દરેક વિષય માટે સંપૂર્ણ લર્નિંગ કન્ટેન્ટ

Classes
ધોરણ 5
ધોરણ 6 
ધોરણ 7
ધોરણ 8 
ધોરણ 9 
ધોરણ 10
ધોરણ 11 આર્ટ્સ
ધોરણ 11 કોમર્સ
ધોરણ 11 સાયન્સ 
ધોરણ 12 આર્ટ્સ
ધોરણ 12 કોમર્સ 
ધોરણ 12 સાયન્સ 
Products
Company

Gujju Nibandh

Gujju Grammar

Gujju Kids 

Gujju Guide

Pucho by Gujju Student

  • Google Play
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube

Gujju Student is an online learning platform for students studying in Gujarati in Classes 5th to 12th 

Learning app for 
Gujarat State Board Students
Gujju-Student-Logo-01-v3.png

(C) 2017-2020 Gujju Student. All Rights Reserved by their respective owners. 

Gujju Student is a part of Buddhimaan, Inc.

bottom of page